નર્મદા (રાજપીપળા)19 મિનિટ પહેલા
- કૉપી લિંક
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધીરે ધીરે વધારો નોંધાઈ રહ્યો છે. હાલ સપાટી 130.53 મીટરે પહોંચી ગઈ છે. એટલે 24 કલાકમાં 25 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. પાણીની અવાક સામે જાવક સરખી કરતા નર્મદા બંધની જળસપાટીમાં નહિવત વધારો જોવા મળી રહ્યો છે. જો કે નર્મદા નદીમાં 40,246 ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર ખાતેનો વિયર ડેમ કામ કોઝવે છેલ્લા એક સપ્તાહથી 3 મીટરથી ઓવરફ્લો થઇ રહ્યો છે.

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના મધ્યપ્રદેશના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે પાવરહાઉસ ધમધમતા કરી દેતા નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદનો વિરામ છતાં પાણીની આવક હાલ 71,424 ક્યુસેક થઇ રહી છે. જયારે જાવક 43,508 ક્યૂસેક જેટલી થઇ રહી છે. નર્મદા બંધની જળસપાટી વધતા રિવર બેડ પાવર હાઉસના કલાકો વધારી વીજળી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. જેને કારણે નર્મદા બંધથી 12 કિલોમીટર દૂર ગરુડેશ્વરમાં આવેલો વિયર ડેમ 3 મીટરથી ઓવરફ્લો થઇ રહ્યો છે. કાંઠાના ગામો પણ એલર્ટ કરી દેવાયા છે. નર્મદા ડેમમાં 3750 મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થતા હાલ નર્મદા ડેમ 80 ટકા ભરાયેલો છે. જે આગામી દિવસોમાં તેની મહત્તમ સપાટી પર પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી 15 ઓગષ્ટના નર્મદા ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવે છે. ગત વર્ષે ઓગષ્ટ મહિનાની શરૂઆતમાં 127 મીટર હતી અને છતાં 15 ઓગસ્ટના 10 દરવાજા ખોલી પાછળથી 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જોકે આ વખતે તો 3.50 મીટર વધુ પાણી છે અને હજુ દોઢથી 2 મહિના વરસાદ આવશે ત્યારે તાત્કાલિક ગેટ ખોલવા. જે બાબતના ટેસ્ટિંગ માટે પણ 15 ઓગષ્ટની આજુબાજુ નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 15મી ઓગસ્ટે પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે નર્મદા ડેમ છલકાતો જોવા મળશે એવી શક્યતાઓ હાલતો જોવા મળી રહી છે. હાલ નર્મદા નિગમ નર્મદા ડેમની જળસપાટી પર વોચ રાખી બેઠી છે. ઓગસ્ટ મહિનામાં 135 મીટરે પહોંચશે એવી શકયતા રાખી ઉપરવાસના પાણીની રાહ જોઈ બેઠા છે.
