વલસાડ6 કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લામાં હવે બોગસ ડોકટરોને પ્રેકટીસ કરવી ભારે પડી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં બોગસ તબીબોને નેસ્તનાબૂદ કરવા માટે ઝુંબેશરૂપે આરોગ્ય શાખા દ્વારા રોજે રોજ બોગસ ડોકટરોના ક્લિનિક ઉપર ચેકીંગ હાથ ધાર્યું હતું. કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે આવેલા પુષ્પ મંજુળા ક્લિનિક ખાતે ચેકીંગ કરતા બોગસ તબીબ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત સરકારમાં નોંધણી કર્યા વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ ઝડપાયો હતો. ભારત સરકાર માન્ય ડિગ્રી કે માન્ય દસ્તાવેજ વિના પ્રેકટીસ કરતાં જણાતા તેમના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે નાનાપોંઢા પોલીસ મથકે બોગસ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આગળની તપાસ નાનાપોંઢા પોલીસે હાથ ધરી છે.
વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીને એક જાગૃત નાગરિક દ્વારા બોગસ ડોકટર અંગેની માહિતી ઇ-મેલ દ્વારા મળતા તેમના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં આવેલા ખાનગી ક્લિનિકોમાં ગુજરાત સરકારમાં મેડિકલ કાઉન્સિલિંગમાં નોંધણી કરાવ્યા વગર ક્લિનિક ચલાવતા બોગસ તબીબ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે જિલ્લામાં ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોના ક્લિનિક ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું. વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. કપરાડા તાલુકામાં ચેકીંગ હાથ ધરતા એક બોગસ ડોક્ટર ઝડપાયો હતો. અને અન્ય 3 બોગસ ડોક્ટરો ક્લિનિક બંધ કરી જતા રહ્યા હતા. આજે ફરી બોગસ ડોક્ટરે ક્લિનિક શરૂ કર્યું હોવાની જાણ જિલ્લા આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ મારફતે જાણ થતાં જિલ્લા આરોગ્ય વિભાગ અને કપરાડા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કપરાડા તાલુકાના નાનાપોંઢા વાપી રોડ ઉપર આવેલી મસ્જિદ બાજુમાં લીમડાના ઝાડ પાસે જીવુંબેન જમલાભાઈ શેખના મકાનમાં આરોગ્ય વિભાગની ટીમે ચેક કરતા જીતેન્દ્ર રામકૃષ્ણરાવ સોળકે તબીબ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જે છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી વિસ્તારમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા તબીબ પાસે ગુજરાત સરકારનું પ્રેક્ટિસ કરવાનું પ્રમાણ પત્ર માંગ્યું હતું. જે જીતેન્દ્ર સોળકે પાસે કોઈ સર્ટી ન હોવાનું જાણવા મળ્યું હતું. ક્લિનિકમાંથી 4 હજારની કિંમતની એલોપેથી દવાનો જથ્થો કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કપરાડા તાલુકા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર કૃપાલીબેન પટેલે નાનાપોંઢા પોલીસ મથકે બોગસ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે અઠવાડિયા પહેલા પણ આ ક્લિનિક ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું. ત્યારે બોગસ તબીબને પહેલાથી ભનક લાગી જતા ક્લિનિક બંધ કરી ભાગી ગયો હતો. આજે ફરી ક્લિનિક શરૂ કરતાં જિલ્લા આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર 104 ઉપર જાગૃત નાગરિકે ચોક્કસ બાતમી આપી હતી. જે બાતમીના આધારે ચેક કરતા બોગસ તબીબ જીતેન્દ્ર રામકૃષ્ણરાવ સોળકેને ઝડપી પાડ્યો હતો. અત્યાર સુધીમાં જિલ્લા આરોગ્ય વિભાગની પ્રાથમિક પૂછપરછમાં 15 વર્ષથી ડોકટર તરીકે સેવા આપી રહ્યો હોવાનું જણાવ્યું હતું. અને અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગે 2 વખત તેમની સામે કાર્યવાહી કરી હોવાનું બોગસ તબીબ જીતેન્દ્ર રામકૃષ્ણરાવ સોળકેએ આરોગ્ય અધિકારી ડો.કિરણ પટેલને જણાવ્યું હતું.