3 કલાક પહેલા
- કૉપી લિંક
વડોદરાના કોર્પોરેટર જહાભાઈ દેસાઈએ પોતાની સામે ફતેહગંજ પોલીસ દ્વારા દાખલ કરાયેલ ગુન્હો રદ્દ કરવા ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ પી.પી. મજમુદાર મારફતે અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી જજ સમીર દવેની કોર્ટમાં કરવામાં આવી હતી.
જહાભાઈ દેસાઈ પોતે કોર્પોરેટર ઉપરાંત વકીલ પણ છે. તેમની સામે IPCની કલમ 332, 323, 294(ખ), 143, 147, 148, 149 અને 186 તેમજ ગુજરાત પોલીસ એકટની કલમ 135 અંતર્ગત 01 માર્ચ, 2023ના રોજ ગુન્હો નોંધાયો છે.
માલધારીઓ કર્મીઓને માર મારી ગાયો છોડાવી ગયા હતા
તેમની પર આક્ષેપ છે કે, 28 ફેબ્રુઆરીના રોજ જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઢોર પકડવા ગઈ. ત્યારે કેટલાક ભરવાડ સમાજના લોકોએ હાથમાં લાકડીઓ લઈને તેમના કામમાં રુકાવટ ઉભી કરી, કોર્પોરેશનના કર્મચારીઓને ધમકાવીને ગંદી ગાળો બોલી તેમજ ટોળાના કેટલાક લોકોએ કોર્પોરેશનના કર્મચારીઓને માર મારી ગાયો છોડાવી ગયા.
ડિસ્ટ્રીકટ કોર્ટે 2 લાખ રૂપિયાના જામીન મંજુર કર્યા
કોર્પોરેટર પર ગંદી ગાળો બોલવાનો આક્ષેપ છે. ઉપર મુજબની કલમોમાં તેમને 3 વર્ષની સજા થઈ શકે છે. જો કે બાદમાં કોર્પોરેટરે આરોપીઓને પોલીસ મથકે ઉપસ્થિત કરીને તેમના જામીન પણ કરાવ્યા હતા. તેમજ પોતાની ધરપકડ ટાળવા વડોદરા ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. વડોદરા ડિસ્ટ્રીકટ કોર્ટે 2 લાખ રૂપિયાના જામીન મંજુર કર્યા હતા. તેમજ આરોપીને દર સોમવારે સવારે 09 થી 10 કલાકની વચ્ચે પોલીસ મથકે હાજરી પુરાવવા જવાનો હુકમ કર્યો હતો.
FIRમાં આરોપીઓમાં અરજદારનું નામ નથી- વકીલની દલીલ
હાઇકોર્ટમાં અરજદારના વકીલે દલીલ કરી હતી કે FIRમાં આરોપીઓમાં અરજદારનું નામ નથી. ચાર્જશીટમાં 506(2) ની કલમ ઉમેરાઈ છે. તેમને ફક્ત ગાળો બોલી છે. જો કે કોર્ટે કહ્યું હતું કે કોર્પોરેટર થઈને ગાળો બોલાય ? તે માટે કલમ 294 અંતર્ગત ગુન્હો લાગુ પડે. આ કેસ FIR કે કાર્યવાહી રદ્દ કરવાનો નહીં પરંતુ ડિસ્ચાર્જ માટેનો છે. જેથી કોર્ટે આ અરજી પરત ખેંચીને યોગ્ય જગ્યાએ યોગ્ય અરજી કરવા જણાવ્યું હતું.
.