વડોદરા30 મિનિટ પહેલા
- કૉપી લિંક
ફાઇલ તસવીર
શહેરમાં દિવસે-દિવસે યુવાનો વિવિધ ચિંતાજનક વ્યસનના રવાડે ચઢી રહ્યા છે. અને આજની પેઢીના યુવાનોને કોઇ સલાહ આપે તે પણ પસંદ નથી. છતાં, કોઇ લાગણીવશ સલાહ આપે તો તેઓને કડવા અનુભવ થતા હોય છે. વડોદરામાં એક યુવાન પાનના ગલ્લા ઉપર બેસી સીગારેટના ધૂમાડા ઓકી રહ્યો હતો. યુવાનના પિતાના મિત્રએ સીગારેટ ન પીવાની સલાહ આપતા માર ખાવાનો વખત આવ્યો છે.
મોડી રાતનો બનાવ
આ બનાવ અંગે શહેરના માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે,વડસર ગામ પાસે વૃંદાવન પાર્ક સોસાયટીમાં શૈલેષભાઇ ઠાકોરભાઇ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. અને તેઓ લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. 3 ઓગસ્ટ – 2023 ના રોજ રાત્રે તેઓ બાઇક લઇને મસાલો ખાવા પાનના ગલ્લા ઉપર ગયા હતા.
બેટા, તું સિગારેટ કેમ પીવે છે ?
શૈલેષભાઇ પ્રજાપતિ પાન મસાલો ખાઇને પરત ફરી રહ્યા તે સમયે તેઓએ તેમના મિત્ર રામુભાઇ સેનના પુત્ર મહાવીર સેન (રહે. લાભુબાનગર, વડસર ગામ, વડોદરા) ને પાન હાઉસની બહાર સીગારેટના ધૂમાડા ઉડાવતો જોતા તે ઉભા થઇ ગયા હતા. અને વ્યસનના રવાડે ચઢેલા મિત્રના પુત્રને કહ્યું કે, “બેટા, તું સિગારેટ કેમ પીવે છે ? તું હજી નાનો છે. સિગારેટના ધુમાડા ગોટા કાઢી રહેલા મહાવિરને પિતાના મિત્રએ આપેલી સલાહ પસંદ ન પડતા તે ગુસ્સે થઇ ગયો હતો. અને પિતા સમાન પિતાના મિત્ર સાથે ઝગડો કર્યો હતો. અને અપશબ્દો બોલવા માંડ્યો હતો. અને ઝપાઝપી કરવાનું શરૂ કરી દીધું હતું.
સારવાર માટે દાખલ કરાયા
ઝપાઝપીમાં પાન હાઉસની બહાર પડેલી સાઇકલ શૈલેષભાઇની આંખ પર વાગી જતા નીચે પડી ગયા હતા. શૈલેષભાઇ નીચે પડી જતાં મહાવીરે માર માર્યો હતો.લોકો ટોળે વળી જતાં મહાવિર સ્થળ પરથી ફરાર થઇ હતો. દરમિયાન શૈલેષભાઇએ બનાવ અંગેની જાણ ભાઇને કરતા તેઓ પાનના ગલ્લા ઉપર દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્ત શૈલેષભાઇને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં તબીબોએ તેઓને દાખલ કરી સારવાર શરૂ કરી હતી.
લોકોના ટોળા એકઠા થયા
મોડી રાત્રે પાનના ગલ્લા ઉપર બનેલા આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી. દરમિયાન આ બનાવ અંગે શૈલેષભાઇ પ્રજાપતિએ મિત્રના પુત્ર મહાવીર સેન સામે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ આધારે ગુનો દાખલ કરી હુમલાખોર આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
.