- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- In GSEB 2012 Exam, Marksheets Of 220 Students Were Increased By Taking Money; The Trouble Of The Parents Who Gave The Money Increased, The Metro Court Rejected The Application
અમદાવાદ37 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2012માં માર્ચ મહિનામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. જેની ઉત્તરવહીઓની ચકાસણી બાદ તેની માર્કશીટ બનાવવાનું કામ નિલ્પા મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડને કોન્ટ્રક્ટથી આપવામાં આવ્યું હતું. તેના કર્મચારીઓ દ્વારા લાગતા વળગતાઓનો સંપર્ક કરીને પૈસા લઈને માર્કશીટમાં ગુણ વધારો કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
વર્ષ 2012માં જ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી
આ કેસની તપાસ ગાંધીનગર CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2012માં જ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જે કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં આરોપી એવા 69 વાલીઓએ ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરી હતી. જેનો વિરોધ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર મનીષા સેંદરે કરતા ચીફ મેટ્રો પોલિટન મેજીસ્ટ્રેટ એચ.એસ. દવેએ આ અરજીઓ ફગાવી દીધી છે.
માર્કશીટ પ્રમાણે માર્ક્સ 63, જ્યારે ઉત્તરવહીમાં ફક્ત 21 ગુણ હતા
આ કેસમાં પરીક્ષા સચિવ ગોવાભાઈ રબારી ફરિયાદી બન્યા હતા. આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે વિજ્ઞાન વિષયના એક વિધાર્થીએ પોતાના રસાયણ વિજ્ઞાનના માર્ક્સ રિચેકીંગ માટે આપ્યા હતા. જેના માર્કશીટ પ્રમાણે માર્ક્સ 63 હતા. જ્યારે ઉતરવાહીમાં ફક્ત 21 ગુણ હતા.
વિજ્ઞાન પ્રવાહના 139 અને સામાન્ય પ્રવાહના 81
બોર્ડના અધિકારીઓ દ્વારા આ મુદ્દે તપાસ કરતા વિજ્ઞાન પ્રવાહના 139 અને સામાન્ય પ્રવાહના 81 એમ કુલ 220 જેટલા વિધાર્થીઓના માર્ક્સ ઉત્તરવહીમાં દર્શાવેલા ગુણ કરતા માર્કશીટમાં વધુ હતા. નિલ્પા કંપની જે સીડીમાં અપાયેલા માર્ક્સના ડેટાના આધારે માર્કશીટ બનાવતી હતી. તેમાં ચેડા કરવામાં કર્મચારીઓ સંડોવાયેલા હતા. જેમણે વિજ્ઞાન પ્રવાહના એક વિષયમાં માર્ક્સ વધારવા 50 હજાર રૂપિયા અને સામાન્ય પ્રવાહ માટે 15થી 20 હજાર રૂપિયા વસુલ્યા હતા.
આ કામના મુખ્ય આરોપી કંપનીના બે કર્મચારી
નિલ્પા કંપનીનું કામકાજ અમદાવાદમાં થલતેજ, ઉમિયા કેમ્પસ સોલા જેવી જગ્યાએ ચાલતું હતું. જેના મેનેજીંગ ડિરેક્ટર પ્રવીણ શાહ હતા. આ કામના મુખ્ય આરોપી કંપનીના કર્મચારી સંજય શાહ અને સમીર શાહ છે. આરોપીઓ સામે IPCની કલમ 406, 417, 465, 467, 488, 471 અને 120(બી) તેમજ IT એક્ટ 2000 અંતર્ગત કલમ 65, 66, 74, અને 84(બી) અંતર્ગત ગુનો નોંધાયો છે.
કેસમાં કુલ 42 જેટલા સાક્ષીઓ
કંપનીના કર્મચારીઓએ અંગત સંબંધ અને પૈસા કમાવવા આવું કાવતરુ કરીને હોંશિયાર વિધાર્થીઓ સાથે અન્યાય કર્યો છે. આ કર્મચારીઓએ ઓળખીતા સગાઓ અને વચેટીયાઓ મારફતે વિધાર્થીઓના ગુણમાં સુધારો કરીને પૈસા લીધા છે. આ કેસની ચાર્જશીટમાં નિલ્પા કંપનીના MD સહિત 19 આરોપી દર્શાવ્યા છે. ઉપરાંત આવું કામ કરનારા વાલીઓ પણ આરોપી છે. કેસમાં કુલ 42 જેટલા સાક્ષીઓ છે.
14 વિધાર્થી આરોપીઓ સાથે સીધા સંપર્કમાં હતા
2012માં લેવાયેલી પરીક્ષાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 10 મેં, 2012 તથા સામાન્ય પ્રવાહનું પરિણામ 24 મેં 2012માં જાહેર કરાયું હતું. જેમાં અંગ્રેજી, કેમિસ્ટ્રી, ભૌતિકશાસ્ત્ર અને કોમ્પ્યુટર જેવા વિષયોમાં ગુણમાં કૌભાંડ આચરીને ગુણમાં વધારો કરાયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ સંદર્ભે નિલ્પા કંપનીનું સર્વર, લેપટોપ, હાર્ડડિસ્ક, આરોપીઓના મોબાઈલ વગેરે જમા લઈને તેનો FSL ટેસ્ટ કરાવ્યો હતો. તેમજ પંચનામું કર્યું હતું. તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે 14 વિધાર્થી આરોપીઓ સાથે સીધા સંપર્કમાં હતા. કેટલાક વિધાર્થીઓએ યુનિવર્સિટીમાં એડમિશન પણ લઈ લીધુ છે.
કેટલાક આરોપીઓના કારનામા:
- નિલ્પા કંપનીના કર્મચારી સંજય શાહે 151 વિધાર્થીઓ પાસેથી 76.20 લાખ રૂપિયા લઈને ગુણ સુધાર્યા હતા
- નિલ્પા કંપનીના કર્મચારી સમીર શાહે 29 વિધાર્થીઓના ગુણ સુધારવાના બદલામાં 12.20 લાખ રૂપિયા લીધા હતા
- વિનોદ પટેલે એજન્ટ તરીકે 18 વિધાર્થીઓ પાસેથી 12.40 લાખ રૂપિયા લીધા હતા
- પંકજ પટેલે 04 વિધાર્થી પાસેથી 3.50 લાખ રૂપિયા લીધા હતા
- વિપુલ શાહે 11 વિધાર્થીઓ પાસેથી 07 લાખ રૂપિયા લીધા હતા
- પ્રણવ શાહે 01 બેઠક માટે સેટિંગ કર્યું હતું
- દિલીપ શાહે 03 બેઠક માટે 01 લાખ રૂપિયા લીધા હતા
- મ્રિજેશ પટેલે કુલ 05 બેઠકો માટે સેટિંગ પાડ્યું હતું
જૂની માર્કશીટનો કોઈ ઉપયોગ થયો નથી
વાલીઓની ડિસ્ચાર્જ અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, તેમને આ કેસમાં ખોટા ફસાવી દેવામાં આવ્યા છે. ખરા આરોપીઓના નામ ચાર્જશીટમાં નથી. આમ ભૂલ બોર્ડની છે. ગુનો કર્યાના કોઈ ડોક્યુમેન્ટ્સ નથી. 99 ટકા વાલીઓને સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન મળી ચુક્યા છે. જૂની માર્કશીટનો કોઈ ઉપયોગ થયો નથી. કોમ્પ્યુટર સાથે ચેડા કરવામાં વાલીઓનો કોઈ રોલ નથી. આ અરજીમાં સુપ્રીમ કોર્ટના કેટલાક નિર્ણયો ટાંકવામાં આવ્યા હતા. જોકે આ અરજી કોર્ટે ફગાવી દિધી હતી.
.