વડોદરા2 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સયાજીબાગની સુંદરતામાં વધારો કરવા માટે કાલાઘોડા સર્કલથી નરહરી હોસ્પિટલ સર્કલ સુધીના ફૂટપાથ ઉપર રૂપિયા 26.41 લાખના ખર્ચે ડેકોરેટીવ લાઇટીંગ મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતીમાં રજૂ કરવામાં આવી છે.
મોટી સંખ્યામાં આવે છે
વડોદરા શહેરની મધ્યમાં આવેલ વડોદરા મહાનગરપાલિકા હસ્તકનાં સયાજી ગાર્ડનમાં બાગ પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ,પ્લેનેટોરીયમ, જોય ટ્રેન અને માછલીઘર આવેલું છે. જેની મુલાકાતે દરરોજ મોટી સંખ્યામાં પર્યટકો આવતાં હોય છે. આથી કાલાઘોડા સર્કલ થી નરહરી સર્કલ સુધીના સયાજીબાગ પ્રવેશદ્વાર તરફના ફુટપાથ ઉપર સયાજી બાગની સુંદરતામાં વધારો થાય તેમાટે ફુટપાથ ઉપર ડેકોરેટીવ લાઇટીંગ કરવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.
સૌથી ઓછા ભાવ
કોર્પોરેશન દ્વારા સયાજી ગાર્ડન ખાતે ડેકોરેટીવ લાઇટીંગ કરવા માટે રૂપિયા 24,93,892 નો અંદાજ મૂકવામાં આવ્યો હતો. અને તે માટે ભાવો મંગાવવામાં આવ્યા હતા. જે સામે સયાજી ગાર્ડન ખાતે ડેકોરેટીવ લાઇટીંગ કરવાના કામે લોએસ્ટ ઇજારદાર મે. નોશન ઇલેક્ટ્રોનિકસ પ્રા.લી.નું ખાતાના અંદાજીત ભાવ કરતાં 5.90 ટકા વધુ રૂ.26,41,157 નું ભાવપત્ર આવ્યું છે. જે ભાવપત્ર મંજુર કરવા સ્થાયી સમિતીમાં દરખાસ્ત આવી છે.
સ્કેટીંગ રીંગનું રિનોવેશન કરાશે
આ ઉપરાંત સ્થાયી સમિતીમાં શહેરના ગોત્રી તળાવમાં સોક્લિન સંસ્થા દ્વારા પક્ષીઓ માટે બામ્બુમાંથી બનાવેલા ફ્લોટીંગ આઇલેન્ડ મુકવા માટેની મંજૂરી માંગતી દરખાસ્ત સ્થાયિ સમિતીમાં આવી છે. તે સાથે કારેલીબાગ સ્કેટીંગ રીંગનું નવિનીકરણ બરોડા ડિસ્ટ્રીક્ટ રોલર સ્કેટીંગ એસોસિએશન દ્વારા કરાવવા માટેની દરખાસ્ત આવી છે. આ દરખાસ્તમાં 20 વર્ષ સુધી સંચાલન કરવા તથા પ્રથમ વર્ષે રૂપિયા 5 હજાર પરવાના ફી વસુલ કરવા અને પ્રતિવર્ષે ફીમાં 10 ટકા વધારો કરવાની તેમજ સ્કેટરર પાસેથી પ્રતિમાસ રૂપિયા 300 તથા રૂપિયા 500 પ્રતિ માસ એડવાન્સ ટ્રેનીંગ નક્કી કરવા સહિતના નિયમો માન્ય રહે તે મુજબ કામ મંજૂર કરવાની દરખાસ્ત આવી છે.
.