- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- On Hearing The News Of The Transfer Of The Teacher Of Nani Vav School Of Limkheda, The Girls Were Speechless, The Girls Were Filled With Tears.
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નાની વાવ ગામમા એક શિક્ષિકા લાંબા સમયથી ફરજ બજાવતા હતા. તેઓની બદલી તેમના વતન તરફ થઈ ગઈ હોવાની જાણ શાળાની બાલિકાઓને થતાં જાણે તેમનુ કોઈ સ્વજન તેમને નોધારા મૂકીને જતા રહેવાના હોય તેવી ગમગીની છવાઈ ગઈ હતી. એકે એક બાલિકા ચોધાર આંસુએ રડી રહી છે. લાખ મનાવવા છતા કોઈના આંસુ રોકાતા ન હતા.
સરકારી શાળાઓ જેવી હૂંફ ખાનગી ફાઈવ સ્ટાર શાળાઓમા મળતી નથી
પ્રેમ અને લાગણી ક્યારે કોની સાથે બંધાઈ જાય તેનો કોઈ સમય કે ચોઘડિયા હોતા નથી અને તેને કોઈ કમૂરતા નડતા નથી. તેમાયે બાળકોને તો કોઈની પણ સાથે મમત્વ થઈ જાય છે કારણ કે તે નિ:સ્વાર્થ હોય છે. બાળપણમાં માતા પિતા પછી કોઈ ત્રીજુ વ્યક્તિ હોય છે કે જે બાળકની માવજત કરે છે અને બાળક સાથે સૌથી વધુ સમય વિતાવે છે. ત્યારે દાહોદ જેવા જિલ્લામા ગરીબ બાળકોને શિક્ષકોનો જે પ્રેમ અને હુંફ સરકારી શાળાઓમા મળે છે તે નગરો, મહાનગરોની “ફાઈવ સ્ટાર” ખાનગી શાળાઓમા દુર્લભ હોય છે. સરકારી શાળામા બાળક લાંબો સમય ન આવે તો શિક્ષક તેના ઘર સુધી તેડવા જાય છે જ્યારે ખાનગી શાળામા મોબાઈલ પર લિવિંગ સર્ટિફિકેટની ચીમકી આપવામા આવે છે. આવા કારણોને લીધે જ સરકારી શાળાઓમા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરસ્પર લાગણીથી જોડાઈ જાય છે.
દસ વર્ષે વતનની ખુશી ભુલકાઓની વિરહ વેદનાથી વામણી થઈ ગઈ
તેની સાબિતી આપતી એક ઘટના લીમખેડા તાલુકામા જોવા મળી હતી. લીમખેડા તાલુકાની નાની વાવ પ્રાથમિક શાળામા દિક્ષાબેન પંડયા છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા હતા. તેઓ ધોરણ 6 થી 8માં ભાષાનુ શિક્ષણ આપતા હતા. તેઓએ પોતાના વતનમાં જવા માટે જિલ્લા ફેરબદલી માટે સ્વાભાવિક રીતે જ અરજી કરી હતી અને તેઓનો નંબર લાગી જતા દિક્ષાબેનની બદલી પોતાના વતનના ખેડા જિલ્લામાં થઈ જતા હવે વર્ષો પછી તેમને ઘર અને પરિવાર સાથે રહેવાની ખુશી હતી પરંતુ તેઓને કદાચ ખબર ન હતી કે તેમના વિદ્યાર્થીનીઓના વિરહનો વેરડો તેમના આનંદના દરિયામા ઓટ આણી દેશે.
લાખ મનામણા પણ બાલિકાઓના આંસુ રોકી શક્યા નહી કારણ કે શાળાની બાલિકાઓને જાણ થઈ કે દિક્ષાબેનની બદલી થઈ ગઈ છે અને તે હવે તેમને છોડીને ચાલ્યા જવાના છે ત્યારે જાણે કે તેમના માથે આભ તૂટી પડ્યુ. તમામ બાલિકાઓ ચોધાર આંસુએ રડવા લાગી અને સો કોઈ નિ:શબ્દ થઈ ગયા. કોણ કોને સાચવે તેવી સ્થિતિનું સર્જાઈ ત્યારે દિક્ષાબેને તેમના મનામણાં કરવા પડ્યા તેમ છતા કોઈ માનવા તૈયાર ન હતું. આમ ગુરુની ગરિમા અને માતા તુલ્ય પ્રેમ તેમજ બાળકોને થઈ જતી નિ:સ્વાર્થ મમતા માટે કોઈ માપ દંડ હોતા નથી તે આ ઘટનાથી આપોઆપ પુરવાર થયુ છે.