સુરેન્દ્રનગર29 મિનિટ પહેલા
- કૉપી લિંક
સમગ્ર રાજ્યમાં 1લી ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ ઉજવણીનું સુચારુ આયોજન થાય તે માટે જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સભાખંડ ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટર દ્વારા વિવિધ અધિકારીઓને કામગીરી સંબંધિત સૂચના માર્ગદર્શન આપવા આવ્યું હતું.
નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લામાં 1 ઓગસ્ટના રોજ “મહિલા સુરક્ષા દિવસ” ઉજવાશે. જેમાં કાયદાકીય યોજનાઓની જાગૃતિ માટે સેમીનારનું આયોજન તથા સુરક્ષા સેતુ દ્વારા સ્વ બચાવના દાવનું નિદર્શન, ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અન્વયે જાગૃતિ સેમીનાર યોજાશે. આવતીકાલે બી.આર.સી.ભવન લિંબડી ખાતે મહિલા સુરક્ષા દિવસનો કાર્યક્રમ યોજાશે. 2 ઓગસ્ટના રોજ “બેટી બચાઓ, બેટી પઢાઓ” દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમનું વિતરણ અને જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કિશોરી મેળાનું આયોજન તથા CDHOની અધ્યક્ષતામાં મહિલાઓના આરોગ્ય અને પોષણ તથા PCPNDT એક્ટ વિશે વર્કશોપ યોજાશે.
3 ઓગસ્ટના રોજ “મહિલા સ્વાવલંબન દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. જેમાં ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન કરાશે. શ્રમજીવી મહિલાઓના અધિકારો અને કલ્યાણકારી યોજનાઓની જાણકારી અંગે જાગરૂકતા સેમિનાર યોજાશે.4 ઓગસ્ટના રોજ “મહિલા નેતૃત્વ દિવસ”નો કાર્યક્રમ યોજાશે. જેમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા કક્ષાએ સમાજમા આગવું પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન કરાશે. વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ કરતી મહિલાઓ સાથે ઉપસ્થિત પ્રેક્ષક મહિલાઓનો સંવાદ કાર્યક્રમ યોજાશે.5 ઓગસ્ટના રોજ “મહિલા કર્મયોગી દિવસ” કાર્યક્રમની ઉજવણી કરાશે. જેમાં કામકાજમાં સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 અંતર્ગત જાગૃતિ સેમીનાર યોજાશે. તેમજ માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ પર કાર્યક્રમ યોજાશે.
6 ઓગસ્ટના રોજ “મહિલા કલ્યાણ દિવસ”ની ઉજવણી કરાશે. જેમાં શાળા તથા કોલેજની વિદ્યાર્થીનીઓ માટે મહિલા જાગરૂકતા શિબિર યોજાશે. શિક્ષણ વિભાગના સંકલનમાં કન્યા શિક્ષણ અને પ્રોત્સાહિત કરતી યોજનાઓ તથા શ્રમ અને રોજગાર વિભાગના કૌશલ્ય વર્ધન કેન્દ્રો મહિલા આઇટીઆઇ કોલેજો અંગે નિષ્ણાતો દ્વારા સમજ આપવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓનું જાહેરમાં સન્માન કરાશે. શાળા કોલેજની દીકરીઓ સાથે પોસ્ટર મેકિંગ, રંગોળી, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાશે.7 ઓગસ્ટના રોજ “મહિલા અને બાળ આરોગ્ય દિવસ” ઉજવાશે. જેમાં જાગૃતિ શિબિર, સ્ત્રી રોગ નિદાન કેમ, આંગણવાડી કેન્દ્ર ખાતે પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન તથા ટેક હોમ રાશનમાંથી આરોગ્યપ્રદ વાનગી માટે રસોઈ શોનું આયોજન કરાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી. જી.ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી કે.એન.બારોટ, દહેજ પ્રતિબંધક અધિકારી જલ્પાબેન ત્રિવેદી સહિત વિવિધ સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.