ભુજ4 મિનિટ પહેલા
- કૉપી લિંક
- અજરખપુર વસ્યુ ત્યારથી એક જ પરિવારના પિતા-પુત્રએ કળાના પ્રસારાર્થે 25 વિદેશ પ્રવાસ કર્યા
હસ્તકળા-કારીગરીમાં કચ્છનું કેટલું મહત્વ છે એ દેશ કરતા વિદેશો વધુ જાણતા હોય તેમ ધમડકા અને હવે અજરખપુરના બ્લોક પ્રિન્ટના મહારથીને 26મી વખત વિદેશથી કહેણ આવ્યું અને આ વખતે પાંચમી વેળાએ પત્ની સાથે ચીનના ખર્ચે તેઓ સાત દિવસીય સેમિનાર યોજી કચ્છની કળાનું પ્રદર્શન કરી આવ્યા, દોઢ માસ પહેલા આ કસબીના પુત્રને પણ ચીન સરકારે જ નોંતરું આપી તેડાવ્યા હતા.
કચ્છમાં બ્લોકપ્રિન્ટની યુનિવર્સિટી કહી શકાય તેવા ભૂકંપ બાદ ગાજતા થયેલા અજરખપુરના અબ્દુલરહીક અનવર ખત્રી એવા કસબી છે કે તેમના જ્ઞાનની કદર વિદેશોમાં અજરખ અને પ્રિન્ટ સમજનારા દેશો ખૂબ કરે છે. વિશ્વના અમેરિકા, જર્મની, રશીયા, ચીન, જાપાન, કેન્યા સહિત અનેક દેશોમાં હસ્તકળાના તજજ્ઞ તરીકે હસ્તકળા સંલગ્ન મંત્રાલયો અને યુનિવર્સિટી તેમને નિમંત્રી રહી છે. તાજેતરમાં ચીનના ગુઇલીનશહેર પાસેના ડોંગલી ગામમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફેશન આર્ટ નેટવર્ક વર્કશોપમાં આપણા આ ખત્રીને ચીન સરકારે પાંચમી વખત બોલાવ્યા, ચાઇના યુનિવર્સિટીના એક પ્રોફેસર નિમિત બન્યા. આ વખતે કસબીને સજોડે આમંત્રણ અપાતા અબ્દુલરહીમ જોડે તેમના પત્ની ઝિન્નત ખાતુન પણ જોડાયા અને તેમણે ચીનના જીજ્ઞાસુઓને કચ્છની હસ્તકળા અજરખ, બાટીક, બ્લોક પ્રિન્ટ, વેજીટેબલ કલર, ડિઝાઇન રંગો પર પ્રશિક્ષણ આપ્યૂં અને કચ્છની પરંપરાથી વાકેફ કર્યા. દોઢ માસ અગાઉ શેન્ઝોન શહેરમાં યોજાયેલા શેન્ઝોન ઇન્ટરનેશનલ કલ્ચરલ ઇન્ડસ્ટ્રીઝ ફેર કો. લી.માં અબ્દુલ રહીમના પુત્ર મોહમ્મદ આસીમે પણ ચીનના આમંત્રણથી પ્રવાસ કર્યો હતો. દુપટ્ટા, સ્કાર્ફ અને ઓઢણીઓ પરના કામ સાથે આ પરિવાર નવું કંઇક સર્જીને વિશ્વના દેશોને આકર્ષિત કરતો રહે છે. શાંઘાઇ યુનિ.એ પણ તેમને રૂબરૂ બોલાવી આ લુપ્ત થતી કળા સંદર્ભે વિશેષ માર્ગદર્શન લીધું હતું. ઉલ્લેખનીય છે કે આજ કુટુંબના ઇસ્માઇલભાઇ મામદ ખત્રી જર્મન યુનિ.માં અજરખ પ્રિન્ટ ભણાવવા ગયા હતા.
.