અમદાવાદ34 મિનિટ પહેલા
- કૉપી લિંક
આજે વહેલી સવારે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં વિકરાળ આગ ભભૂકી. જેના કારણે 106 જેટલા દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદમાં મોટી ઈમારતો, હોસ્પિટલો અને કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં હોસ્પિટલમાં મોટી આગ લાગવાની ત્રણ ઘટનાઓ બની છે. જેમાં ક્યાંક તંત્રની બેદરકારી તો ક્યાંક શોર્ટસર્કિટના કારણે આગ લાગવાના સૌથી વધુ કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં પ્રથમ ઘટના આજથી ત્રણ વર્ષ પહેલા અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં લાગી હતી. જ્યાં રાતે 3.05 વાગ્યે શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં કોરોનાના 8 દર્દી ભડથું થઈ ગયા હતા. ફાયર સિસ્ટમના નામે માત્ર ચાર પોર્ટેબલ એક્સ્ટિંગ્વિશર (સિલિન્ડર) ધરાવતી 56 બેડની હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં બેડ નંબર 8 અને 9ની વચ્ચે વેન્ટિલેટર કે પલ્સોમીટરના વાયરિંગમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી.
બીજી ઘટના આજથી એક વર્ષ પહેલા અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેક્સના ત્રીજા માળે બની હતી. જેમાં એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગી હતી. આગ લાગવાથી આખા બિલ્ડીંગમાં અફરાતફરી મચી હતી. આગનો ધુમાડો જોતજોતામાં આખા કોમ્પ્લેક્સમાં ફેલાઈ ગયો હતો. આ કારણે કોમ્પ્લેક્સમાંની દુકાનો અને ઓફિસોમાં નાસભાગ મચી હતી. કોમ્પ્લેક્સમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલાંથી 13 જેટલા નવજાત બાળકો તથા માતા સહિત 75થી વધુ લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું હતું.
ત્યારે આજે પણ છેલ્લા ત્રણ વર્ષમાં ત્રીજી વખત મોટી આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગની 31 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આગના કારણે 100થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ ધૂમાડો વધુ હોવાથી ફાયર વિભાગ બેઝમેન્ટમાં ઓક્સિજન માસ્ક સાથે પણ 10 મિનિટથી વધારે અંદર રહી શકતા નથી. કારણ કે હોસ્પિટલમાંથી ધુમાડો નીકળે તે માટેની વ્યવસ્થા જ નથી.
ત્રણ વર્ષમાં ત્રણ મોટી આગની ઘટના…
1. પહેલી હોનારતમાં 8 હતભાગીએ જીવ ગુમાવ્યા હતા
અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં વેન્ટિલેટર કે પલ્સોમીટરના વાયરિંગમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી. આગની ઝપેટમાં ફાઇબરનાં બેડ, સેનિટાઇઝર, ઓક્સિજન સિલિન્ડર આવતાં આગ વધુ પ્રસરી હતી. વોર્ડમાં હાજર 2 વોર્ડ બોય અને એક મહિલા તબીબે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીપીઈ કિટ પહેરીને હાજર એક વોર્ડ બોય દાઝી ગયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડના જવાનોને થતાં હોસ્પિટલના ચોથા માળનાં બારીબારણાંના કાચ તોડ્યા બાદ આઈસીયુ વોર્ડના દરવાજાનો કાચ તોડીને અંદર ગયા હતા. જ્યાં સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી. લગભગ 40 મિનિટ બાદ આગ અને ધુમાડો કાબૂમાં આવી ગયા બાદ ફાયર બ્રિગેડના જવાનોએ જોયું તો વોર્ડમાં દાખલ કોરોનાના 8 દર્દી પલંગ પર જ ભડથું થઈ ગયા હતા. હોસ્પિટલમાં કોરોનાના 48 દર્દી સારવાર લઈ રહ્યા હતા, જેમાંથી 8 દર્દીને હોસ્પિટલના ચોથા માળે આવેલા આઈસીયુ વોર્ડમાં દાખલ કરાયા હતા.
એ સમયે રાજ્ય સરકારે ઘટનાની તપાસ શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, ગૃહ સચિવ સંગીતા સિંગને સોંપી હતી અને 24 કલાકમાં તેનો રિપોર્ટ માગ્યો હતો. ત્યાર બાદ મુકેશ પુરી અને સંગીતા સિંગે એફએસએલ અને પોલીસની ટીમ સાથે પીપીઈ કિટ પહેરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. વડાપ્રધાન મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પાઠવી હતી.
રાજ્ય સરકારે તમામ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી તપાસવાનો આદેશ આપ્યો હતો
રાજ્ય સરકારે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવો ઘાટ સર્જ્યો હતો. હોસ્પિટલમાં આગની ઘટના બાદ રાજ્ય સરકારે અમદાવાદ સહિત રાજ્યનાં તમામ શહેરોની કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. એ સમયના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગની હોનારતની તપાસ માટે ગૃહ સચિવ સંગીતા સિંઘ અને શહેરી વિકાસ સચિવ મુકેશ પુરીની સમિતિ રચી હતી. શ્રેય હોસ્પિટલના 4 ટ્રસ્ટીમાંથી ભરત વિજયદાસ મહંતની નવરંગપુરા પોલીસે અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જ્યારે બાકીના 3 પૈકી ભરતભાઈના બનેવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાથી તેઓ સારવાર હેઠળ હતા. જ્યારે અન્ય એક ટ્રસ્ટીને કેન્સરની સારવાર ચાલી રહી હતી. પરંતુ ત્રણ વર્ષમાં આ ત્રીજી આગની ઘટના બની છે. ત્યારે રાજ્ય સરકાર હવે શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું.
2. બીજી ઘટનામાં બાળકો સહિત 75ના દિલધડક રેસ્ક્યુ કરાયા હતા
અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેક્સમાં ત્રણ વર્ષમાં બીજી વખત મોટી આગ લાગી હતી. કંપનીના સર્વર રૂમમાં આગ લાગતા આગનો ધુમાડો જોતજોતામાં આખા કોમ્પ્લેક્સમાં ફેલાઈ ગયો હતો. દુકાનો અને ઓફિસોમાં નાસભાગ મચી ગઇ હતી. કોમ્પ્લેક્સમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલાંથી 13 જેટલા નવજાત બાળકો તથા માતા સહિત 75થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. 500 મીટર સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત રેસ્ક્યુ કામગીરી માટે 2 લિફ્ટનો પણ ઉપયોગ કરાયો હતો.
ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી 13 બાળકોનું રેસ્ક્યુ કરાયુ હતું
કોમ્પ્લેક્સમાં આગ લાગતા બાળકો અને માતાનું ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી સ્નોરકેલ દ્વારા નીચે ઉતારી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. આગના બનાવને પગલે કોમ્પ્લેક્સમાં રહેલા લોકો જીવ બચાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા.
રેસ્ક્યુ કરાયેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા
આગ કાઉન્ટન્ટની ઓફિસમાં લાગવાથી ચિલ્ડ્રન હોસ્પિટલના બાળકોને અને પેરેન્ટ્સને ધાબા પર લઈ જઈ હાઈડ્રોલિકની મદદથી રેસ્ક્યુ કરી લીધા હતા. ફાયર સેફ્ટીની સુવિધા હતી અને તેમની સિસ્ટમની મદદથી પણ આગ બુઝાવી હતી.
2019માં આ જ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી
નોંધનીય છે કે, વર્ષ 2019માં આ જ દેવ કોમ્પ્લેક્સમાં આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઉપર આવેલી કેન્ટીનમાં આગ લાગી હતી. ત્રણ બાળકોને બચાવી લેવાયા હતા. ત્યાર બાદ બી.યુ પરમિશન પણ રદ કરવામાં આવી હતી. ત્યારે સાત દિવસમાં દર્દીઓને બીજે ખસેડી હોસ્પિટલ બંધ કરવા સૂચના આપી અને જે તે સમયે જ્યાં દર્દીઓને હાલાકી ન પડે તેવા એક વિભાગ અથવા રૂમને સીલ કરવાની કાર્યવાહી કરાઈ હતી.
3. ત્રીજી ઘટનામાં 100થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા
ત્રણ વર્ષમાં આગ લાગવાની આજે ત્રીજી મોટી ઘટના અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલમાં લાગી છે. જ્યાં હોસ્પિટલના બેઝમેન્ટમાં વહેલી સવારે આગ લાગતા ફાયર વિભાગની 31 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આગના કારણે 100થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેઝમેન્ટમાં આગ લાગી હોવાથી કોઇ જાનહાનિ થઈ નથી, પરંતુ ધૂમાડો વધુ હોવાથી ફાયર વિભાગ બેઝમેન્ટમાં ઓક્સિજન માસ્ક સાથે પણ 10 મિનિટથી વધારે અંદર રહી શકતા નથી.
હોસ્પિટલમાંથી ધુમાડો નીકળે તે માટેની વ્યવસ્થા જ નથી
અમદાવાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના તમામ સ્ટાફ અને સાધનોની મદદથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધુમાડો ખૂબ જ હોવાથી લાંબો સમય અંદર રહી શક્યા નહીં. આગ ઓછી છે. ફેન વડે ધુમાડો બહાર કાઢવામાં આવી રહ્યો છે. જરૂર પડશે તો હોસ્પિટલના પાર્કિંગની છત તોડવામાં આવી શકે છે. જોકે, હોસ્પિટલમાંથી ધુમાડો નીકળે તે માટેની વ્યવસ્થા નથી કારણ કે હોસ્પિટલમાં એક્ઝોસ્ટની વ્યવસ્થા નથી. આગ લગાવાથી ધુમાડો એટલો બધો છેકે ફાયર બ્રિગેડના જવાનો ઓક્સિજન સાથે બેઝમેન્ટમાં જઈ અને ધુમાડો બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે. ઓક્સિજન માસ્ક સાથે 10 મિનિટથી વધારે અંદર રહી શકતા નથી. અમદાવાદમાં લાગેલી આગ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું છે.
દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા
રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટનાને પગલે હાલ દર્દીઓને ખસેડવાની હોસ્પિટલ સ્ટાફ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં 100 જેટલા દર્દીઓ હતા. જ્યારે હોસ્પિટલના બીજા માળે બે દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમેને ICUમાંથી હટાવી શકાય તેવી સ્થિતિ નથી. ત્યારે અન્ય દર્દીઓને આનંદ હોસ્પિટલ તેમજ ઓસવાલ અને BAPS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં આગની ઘટનાને પગલે ઘેવર સર્કલથી અને શાહીબાગ બ્રિજથી રાજસ્થાન હોસ્પિટલ તરફ આવતો રસ્તો બંધ કરાયો છે. ઝોન-4 ડીસીપી, ટ્રાફિક ડીસીપી, એસીપી, પાંચ પીઆઇ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. આગ લાગવાના વધતા જતા બનાવો મામલે હવે સરકાર શું નિર્ણય લે છે એ જોવાનું રહ્યું.
.