સેલવાસ-વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક
સેલવાસના દમણગંગા નદી કિનારે આવેલો રિવરફન્ટ છલોછલ થયો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ દાદરા નગર હવેલીમાં પડ્યો હતો.
- કપરાડામાં ધોધમાર 8 , વાપી 4 ઇંચ, મધુબન ડેમમાંથી 2.50 લાખ ક્યુસેક પાણી છોડાતા 37 ગામોને એલર્ટ
- જિલ્લાના 80 રસ્તા બંધ, વલસાડ – ખેરગામ તાલુકાના 40 ગામને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા
- દમણગંગા -ઔરંગામાં ધોડાપૂર | વલસાડમાં મોડી રાતે ઘરોમાં પાણી ભરાતા લોકોને રાતોરાત ખસેડાયા
વાપી સહિત વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પણ વધુ વરસાદ હોવાથી કપરાડા, પારડીના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયાં છે. મધુબન ડેમમાંથી મોડી રાતે દર કલાકે 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા ઘરોમાં પાણી ઘુસ્યા હતાં. NDRFની ટીમે બોટ મારફતે દાનહમાં 21 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યા હતાં. સ્કૂલોમાં રજા અપાઈ હતી.
જયારે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ, કપરાડામાં 7, વાપી 4 ,વલસાડ 3.5 ઇંચ વરસાદ, પારડી 2.5 ઇંચ, ઔરંગા નદીના પ્રવાહ વધતા ખેરગામ વલસાડ વચ્ચેના પુલ ઓવરફ્લો થયો હતો. દમણગંગા નદી ભયજનક સપાટી નજીક વહી રહી છે. દમણગંગા નદી વાપી ખાતે રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.
ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મધુબન ડેમમાં છેલ્લા બે દિવસથી પાણી ધરખમ વધારો થયો છે, ત્યારે ડેમની સપાટી હાલ 72.70 મીટર છે અને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી દર કલાકે તબક્કા વાર પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મધુબન ડેમમાંથી 2.50 લાખ ક્યુસેક પાણી 10 દરવાજા 4 મીટરે ખોલી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. પવન સાથે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ઝાડ તુટી પડ્યા હતા.
ગુરૂવારે રાત્રિ દરમિયાન જિલ્લાના કપરાડા, ઉમરગામ, વલસાડ, વાપી તાલુકામાં અનારાધાર વરસાદ થતાં દમણગંગા, પારનદી, વલસાડ ની ઔરંગાનદી, કોલક નદી સહિતની નદીઓમાં પાણીની સપાટી વધી જતાં કિનારાના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.
વલસાડમાં પણ રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ સાથે ઉપરવાસ ધરમપુર તાલુકામાં પડેલા વરસાદના પગલે ઔરંગાનદીમાં પૂરના પાણી ધસી આવતા કાશ્મીર નગર, પીચિંગના તરિયાવાડ, હનુમાનભાગડા ગામમાં પાણી ભરાઇ ગયા હતા. જેને લઇ એનડીઆરએફની ટીમ, ડિઝાસ્ટર મામલતદાર, પાલિકાની ટીમ રાત્રે જ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા કામે લાગી ગઇ હતી. શુક્રવારે દિવસ દરમિયાન મેઘરાજા નરમ પડ્યા હતા.જેને લઇ લોકોને હાશ્કારો મળ્યો હતો.
હનુમાન ભાગડા બન્યું સંપર્ક વિહોણું
ઔરગાનદીના કાંઠે આવેલા હનુમાનભાગડા ગામમાં કિનારાના વિસ્તારોમાં રાત્રે નદીના પાણી પ્રવેશી ગયા હતા. જ્યારે આ વલસાડ શહેરને લાગૂ આ ગામને જોડતા તરિયાવાડ નજીકના પીચિંગ પુલ પર પાણી ફરી વળતા બંધ કરી દેવાયું હતું. જ્યાં સિટી પોલીસની ટીમ તૈનાત કરી દેવાઇ હતી.લોલેવલ પુલ ડુબી જતાં હનુમાનભાગડાનો સંપર્ક કપાઇ જતાં સ્થાનિકોની હાલત કફોડી બની હતી.
દાનહના ભગતપાડામાં નદીના કિનારેના ઘરોમાં ભારે તારાજી
દાનહના સેલવાસમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ તથા ખાનવેલમાં 10 ઇંચથી વધુ વરસાદ ઉપરાંત ઉપરવાસમા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા ગુરૂવાર રાત્રે અઢી લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યુ હતું જેના પગલે ખાનવેલ સહિતન ગામોના નીચાણવાળા અનેક વિસ્તાર ડુબ્યા હતા. અનેક ઘરોમાં ખાનાખરાબી સર્જાઇ હતી. ખાનવેલમાં સાંકળતોડ નદી પરનો પુર,તલાવડી પુલ અને ખાનવેલથી ચૌડા પુલને બંધ કર્યો હતો. ભગતપાડા,પારસપાડા સહિત નદી કિનારેના ઘરોમાં પાણી ભરાઈ જવાથી તારાજી સર્જાઈ હતી.
દંપતિની શોધખોળ શરૂ
દાનહનાં કરચોંડ ગામે ખેતરમાં કામ કરી રહેલ ખેડુત પતિ પત્ની ચતુર બારકુ ઘાંટાળ ઉ.વ.55 અને એમની પત્ની પોવની ચતુર ઘાંટાળ ઉ.વ 52 રહેવાસી પટેલપાડા પાણીનો પ્રવાહ વધવાને કારણે નદીમાં તણાઈ ગયા હતાં. બન્ને નદી કિનારે ખેતરમા કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક નદીમા પાણીનો પ્રવાહ વધી જતા બન્ને જણા ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. એનડીઆરએફની ટીમે બન્ને દંપતિની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પૂરથી બ્રિજનો રસ્તો તૂટ્યો
વલસાડ અને ખેરગામ તાલુકાના 40 ગામના જોડતા પારડીસાંઢપોર કૈલાસરોડ સ્થિત બ્રિજ ઉપર ઔરંગાનદીના ધસમસતા પાણી ફરી વળતાં બ્રિજનો રોડ ઉખડી ગયો હતો.ઓરંગાના આ નીચા બ્રિજ પર વાહનો સહિતની તમામ અવરજવર સ્થગિત થઇ ગઇ હતી. 40 ગામના હજારો લોકોને અવરજવર માટે વૈકલ્પિક રસ્તો શોધવાની નોબત આવી હતી.
કાશ્મીરનગર પાણીમાં ગરકાવ
ઉપરવાસમાં રાત્રિથી મળસ્કે સુધીના ગાળામાં દેમાર વરસાદ વરસાદ વરસતા ઔરંગાનદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા એસડીઆરએફની ટીમ,ડિઝાસ્ટર મામલતદરા,પાલિકા ઇજનેર હિતેશ પટેલ,ફાયર બ્રિગેડની ટીમે રાતોરાત નીચાણવાળા વિસ્તારો કાશ્મીર નગરમાં ભરાઇ ગયેલાપાણીને લઇ લોકોને બહાર કાઢી સલામત સ્થળે ખસેડયા હતા.પુરની સ્થિતિને લઇ સ્થાનિક લોકો ભારે હાલાકીમાં મૂકાયા હતા.
.