ભાવનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
ફાઈલ તસવીર
- 20 વર્ષમાં છ શિક્ષણ મંત્રી આવ્યા તેમને કેમ સમન્સ પાઠવીને જવાબ ન લેવાયા ?
- ઉર્જા વિભાગના ભરતી કૌભાંડનો પર્દાફાશ કરીશ
જન્મેજય ત્રિવેદી
ડમીકાંડનો પર્દાફાશ કરી સમગ્ર રાજ્યને હચમચાવનાર યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હુ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છુ પરંતુ મારી લડત હંમેશા વિદ્યાર્થીઓ માટે રહી હોવાના કારણે હુ મારી જાતને વિદ્યાર્થી નેતા અને એક્ટીવીસ્ટ જ માનુ છુ. તેમણે આગામી સમયમાં ચૂંટણી લડવાની વાત કરતા હવે એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હવે રાજકીય નેતા બનવાની દિશામાં આગળ વધી રહ્યાં છે.
પ્રશ્ન : તમારી સામે આક્ષેપ છે કે તમે રાજકીય એજન્ડા ચલાવો છો. શું હવે તમે ચૂંટણી લડશો ?
જવાબ : હુ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છુ, પરંતુ મારી જાતને હુ વિદ્યાર્થી નેતા જ માનું છુ. મે સિસ્ટમની બહાર રહીને સરકારમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે લડત ચલાવતા સરકારને પેપર લીકેજનો કાયદો લાવવો પડ્યો છે. હવે હુ સિસ્ટમમાં પ્રવેશીને લડત ચલાવીશ. આગામી તમામ ચૂંટણીમાં મારી સક્રિય ભૂમિકા રહેશે અને હું ચૂંટણી પણ લડીશ.
પ્રશ્ન : ડમીકાંડ બાદ તમને ભાજપ કે, કોંગ્રેસમાં શામેલ થવાની કોઇ ઓફર આવી હતી ?
જવાબ : તમામ પાર્ટી માઇલેજ લેવા માગતી હોય છે. મને પણ બન્ને પક્ષના કેટલાક નેતાઓએ તમે અમારી સાથે રહીને પણ લડત ચલાવી શકો છો તેમ જણાવી પરોક્ષ રીતે ઓફર કરી હતી.
પ્રશ્ન : તમે કહો છો કે પિક્ચર અભી બાકી હૈ ? તો હવે તમે ક્યાં કાૈભાંડનો પર્દાફાશ કરવાના છો ?
જવાબ : ઉર્જા વિભાગની ભરતીમાં સાૈથી મોટો ભ્રષ્ટાચાર થયો છે. પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલમાં ડે.ઇજનેર અને જુનિયર આસિ.ની ભરતીમાં મોટુ કાૈભાંડ આચરવામાં આવ્યું છે, આગામી દિવસોમાં તેનો પર્દાફાશ કરવામાં આવશે.
પ્રશ્ન : ખરેખર ડમી કાૈભાંડનો આકડો કેટલો છે ?
જવાબ : પોલીસે ડમીકાંડની યોગ્ય તપાસ નથી કરી. તપાસ કરાય તો આંકડા 300થી વધુ થાય તેમ છે. કાૈભાંડ સપાટી પર આવ્યું ત્યારે શિહોર અને તળાજા તાલુકાના ઘણા ગામમાંથી અનેક લોકો ગાયબ થઇ ગયા હતા. અનેક સરકારી કર્મચારી રજા પર ઉતરી ગયા હતા પરંતુ પોલીસે તેની કોઇ તપાસ જ નથી કરી.
પ્રશ્ન : યુવરાજસિંહ આક્ષેપો કરે છે પરંતુ કોઇ રાજકીય નેતાના નામ કેમ નથી લેતા ?
જવાબ : ડમીકાંડ 2002થી ચાલે છે. 20 વર્ષમાં ઘણી સરકારી ભરતીઓ થઇ છે, તેમાં કાૈભાંડ આચરવામાં આવ્યાં છે. શિક્ષણ વિભાગની ટેટ, ટાટ સહિતની અનેક પરિક્ષાના પેપર લીક થયા છે. 20 વર્ષમાં છ શિક્ષણ મંત્રી આવ્યાં છે તો તેમને કેમ સમન્સ આપીને જવાબ લેવામાં નથી આવતાં ? કેમ કોઇ આઇએએસ અધિકારીનો જવાબ લેવામાં નથી આવતો ? યુવરાજસિંહ ફરિયાદ કરે તો તુરંત સમન્સ આપી જવાબ લેવાય છે.
પ્રશ્ન : તોડકાંડમાં એક કરોડની રકમ રિકવર થઇ છે ? તો તે રકમ ક્યાંથી આવી ?
જવાબ : આ મામલો હાલ ન્યાયતંત્ર સમક્ષ છે. જે પિક્ચર દેખાડવામાં આવ્યું છે તેમાં પડદા પાછળનું પિક્ચર અલગ જ છે. મારી પાસે ઘણા પુરાવા છે. સમય આવે ત્યારે ન્યાયતંત્ર સમક્ષ અને લોકો સમક્ષ પુરાવા રજૂ કરી સાચુ સત્ય બહાર લાવવામાં આવશે.
પ્રશ્ન : તોડકાંડ બાદ તમારી પ્રતિષ્ઠા ખરડાઇ છે ?
જવાબ : મને ખોટા કેસમાં ફસાવી મારી ખુબ જ નેગેટીવ પબ્લીસિટી કરાઈ છે. જામીન પર છુટ્યા બાદ મને અસંખ્ય લોકોના ફોન આવ્યાં છે કે, અમે તમારી લડતની સાથે છીએ. હુ એક ટવીટ કરુ તો હજારો જવાબ આવે છે જે બતાવે છે કે, મારી પ્રતિષ્ઠા વધી છે.
.