વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક
ડેમના 10 દરવાજા 4.8 મીટર ખુલ્લા રાખીને મધ્ય રાત્રિથી 2.50 લાખ ક્યુસેટ પાણી દર કલાકે છોડવામાં આવશે
- વરસાદની આગાહીને લઈને કંટ્રોલ રૂમનો નંબર જાહેર
વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં આવેલા 6 ગામોમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 823.8 mm વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે. હાલ મધુબન ડેમનું લેવલ 73.75 મીટર નોંધાયું છે. ડેમમાં 3,03,214 ક્યુસેટ પાણીની આવક વધતા ડેમનું લેવલ જાળવી રાખવા માટે ડેમના 10 દરવાજા 4.8 મીટર ખુલ્લા રાખીને દમણગંગા નદીમાં દર કલાકે 1,82,401 ક્યુસેટ પાણી છોડવામાં આવી રહ્યું છે. જે મધ્ય રાત્રિથી વધારીને 2.50 લાખ ક્યુસેટ પાણી દર કલાકે છોડવામાં આવશે.
કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈને વલસાડ જિલ્લા અને દાદરા નગર હવેલી તેમજ દમણ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને લઈને દાદરા નગર હવેલીના પ્રશાસન દ્વારા દાદરા નગર હવેલી વિસ્તારમાં આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તકેદારીના ભાગ રૂપે 28 જુલાઈના રોજ રજા જાહેર કરવામાં આવી છે.
ગુજરાત હવામાન વિભાગ અમદાવાદ દ્વારા જાહેર થયેલી અખબારી યાદીમાં દાદરા અને નગર હવેલી વિસ્તારના મોટા ભાગના સ્થળોએ આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને લઈને તકેદારીના ભાગ રૂપે દાદરા અને નગર હવાલના જિલ્લા વહીવટીતંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોવા છતાં, સાવચેતીના પગલા તરીકે સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજો, પોલિટેકનિક, આઈટીઆઈ, આંગણવાડીઓ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને 28મી જુલાઈ 2023ના રોજ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદ, પાણી ભરાવા અને અન્ય કોઈ ગંભીર પૂર જેવી ઘટના અંગે કોઈ પણ અપડેટ, માહિતીની ફરિયાદ અથવા ફરિયાદ માટે લોકો ઈમરજન્સી કંટ્રોલ રૂમ નંબર 1077, 0260-2412500, 8780001077 પર સંપર્ક કરવું અનુરોધ કર્યો છે.નસાથે દાદરા નગર હવેલીના વિસ્તારમાં પાણીનો ભરાવો થાય તો તાત્કાલિક વહીવટી તંત્રના કંટ્રોલ રૂમ ઉપર જરૂરી માહિતી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવેલા દાદરા નગર હવેલી વિસ્તાર, વાપી તાલુકા અને દમણના હદ વિસ્તારમાં આવેલા કુલ 37 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અધિકારીઓને ગામના અગ્રણીઓ સાથે સતત સંપર્કમાં રહીને નદીઓમાં વધતી જતી જળ સપાટી ઉપર બાજ નજર રાખવામાં આવશે. જરૂર પડે તો તટ વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડે તો તે રીતે પણ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચીવળવા એલર્ટ છે.
વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને ડેમમાં પાણીની આવક વધી રહી છે. મધુબન ડેમના ઉપરવાસમાં આવેલા 6 ગામમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 14 કલાકમાં 33 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેને લઈને ડેમમાં પાણીની આવકમાં ચિંતા જનક વધારો થતાં અને અત્યાર સુધી પડી રહેલા મુશળધાર વરસાદને લઈ મધુબન ડેમની જળ સપાટી માં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેને લઇ વલસાડ જિલ્લા કલેકટરે દમણ કલેકટર અને સેલવાસ કલેકટર સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી બેઠક યોજી, દરિયામાં ભરતીના સમયનો તાગ મેળવી, ડેમમાંથી મોડી રાતથી અઢી લાખ ક્યુસેટ પાણી છોડવામાં આવશે તેવો નિર્ણય લીધો હતો. જેને લઈ દમણ ગંગા નદીના કિનારે આવતા 37 ગામો અને ઉમરગામ તાલુકાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. દમણ ગંગા નદીમાં જળસ્તર વધતું હોય ત્યારે નદીમાં ન જવા જિલ્લા કલેકટરે સૂચના આપી છે.