અમદાવાદ3 કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદ શહેરમાં ચાલુ બાંધકામ સાઈટો પરથી ભારે વાહનો ટ્રક, જેસીબી મશીન, ડમ્પર વગેરે સાધનોના ટાયરોની માટી રોડ ઉપર ન આવે અને તેનાથી રોડ તેમજ ફૂટપાથને નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખી સૂચનાઓ આપવામાં આવી હતી છતાં પણ કન્સ્ટ્રક્શન સાઈટોના માલિકો અને બિલ્ડરો દ્વારા ધ્યાન ન આપવામાં આવતા આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કુલ પાંચ જેટલી સાઈટોને સીલ કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનનાં એસ્ટેટ વિભાગ દ્વારા લો ગાર્ડન પાસે આવેલી GLS યુનિવર્સિટીની બાંધકામ સાઇટને સીલ કરવામાં આવી છે. અન્ય ચાર જેટલી રેસીડેન્સિયલ સ્કીમને પણ સીલ કરવામાં આવી છે.
એસ્ટેટ વિભાગની ટીમે સાઇટને સીલ કરી દીધી
પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે લો ગાર્ડન પાસે આવેલી GLS યુનિવર્સિટીના બાંધકામમાં વપરાતા વાહનો સીજી રોડ તરફ ગયા ને તેની સાથે વાહનોમાં લાગેલી બાંધકામની માટી પણ છેક સીજી રોડ સુધી ગઈ હતી, જેના પગલે એસ્ટેટ વિભાગની ટીમે સાઇટને સીલ કરી દીધી હતી. નવરંગપુરામાં શાનવ, નારણપુરા વિસ્તારમાં પલીયડનગર ફ્લેટ પાસે શિવમ એલીગન્સ, નારણપુરામાં નંદિતા એપાર્ટમેન્ટ અને નારણપુરા ચાર રસ્તા પાસે આવેલી અજંતા પાર્ક સોસાયટીમાં પણ રોડ ઉપર માટી જોવા મળતા તેને સીલ કરવામાં આવી હતી. આવી બાંધકામ સાઈટો દ્વારા રોડ ઉપર માટી લાવી અને નુકસાન તેમજ પ્રદૂષણ ફેલાવવા માં આવતા તેની રજા ચિઠ્ઠી રદ કરી અને દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે. આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં પણ આવી સાઈટો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
મેયર અને કમિશનર રશિયા જશે
આગામી 2 અને 3 ઓગસ્ટના રોજ રશિયાના મોસ્કો ખાતે ઇન્ટરનેશનલ કોંગ્રેસ દ્વારા અર્બન હેલ્થ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આધુનિક શહેરો તેમના નાગરિકોની કેવી રીતે સંભાળ રાખશે? તથા જીવનશૈલી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, સક્રિય અને સ્વાસ્થ્યને સહન વગેરે બાબતો ઉપર ચર્ચા કરવામાં આવશે. રશિયાની મોસ્કો ગવર્મેન્ટ તરફથી આ કાર્યક્રમમાં સ્પીકર તરીકે ભાગ લેવા માટે થઈ આમંત્રણ આપવામાં આવતા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મેયર કિરીટ પરમાર મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસનન અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ ચૌધરીને મોકલવા માટેની દરખાસ્તને આજે મંજૂરી આપવામાં આવી છે. 30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીનો આ કાર્યક્રમ છે. આ તમામ ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ભોગવવામાં આવશે.
.