રાજકોટ21 મિનિટ પહેલા
- કૉપી લિંક
- સિટીબસ ચાલક લાજવાને બદલે ગાજ્યો
- રિક્ષાચાલક પર હુમલો કરનાર બેની ધરપકડની તજવીજ
શહેરમાં સિટીબસના ચાલકો દ્વારા માથાકૂટ કરતા હોવાના અવારનવાર બનાવો પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે વધુ એક બનાવમાં સિટીબસના ચાલક સહિત બે શખ્સે રિક્ષાચાલકને માર મારી હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
કાલાવડ રોડ, વામ્બે આવાસમાં રહેતા દીપક પ્રતાપભાઇ કાથડ નામના રિક્ષાચાલકે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત રિક્ષાચાલક યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, મંગળવારે તે તેની રિક્ષા લઇને નાનામવા મેઇન રોડ, શાસ્ત્રીનગર પાસેથી પસાર થતો હતો.
ત્યારે ત્યાંથી પૂરઝડપે પસાર થયેલી સિટીબસ ધસી આવી રિક્ષા નજીક આવી બ્રેક મારી હતી. જેને કારણે બસ રિક્ષા સાથે અથડાઇ હતી. જેથી બસચાલકને આવી રીતે બસ ચલાવાય તેમ કહેતા તે લાજવાને બદલે ગાજવા લાગી ગાળો ભાંડવા લાગ્યો હતો. બસ ચાલકને ગાળો દેવાની ના પાડતા તે બસમાંથી નીચે ઉતરી ઝઘડો કરવા લાગ્યો હતો.
આ સમયે અન્ય એક શખ્સ પણ પોતાની બાજુમાં આવી પોતાને માર મારવા લાગ્યા હતા. આ સમયે પોતે સામાન્ય રિક્ષાચાલક છે પોતાની સાથે ઝઘડો કરવાની ના પાડતા બંનેએ પોતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જતા રહ્યા હતા. બનાવ બાદ બસનો ચાલક ગંજીવાડામાં રહેતો મુસ્તુફા શાહબુદ્દીન કુરેશી અને શ્રમજીવી સોસાયટીમાં રહેતો રમજાન હાસમ હાલા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સિટીબસના ચાલક સહિત બે શખ્સની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
.