જામનગર40 મિનિટ પહેલા
- કૉપી લિંક
જામનગર શહેરના એરફોર્સમાં સિક્યોરિટીની ઓફિસમાંથી પોલીસે એરમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી સહિત બે શખ્સોને 192 ગ્રામ માદક પદાર્થ અફિણના જથ્થા સાથે ઝડપી લીધા હતા. બંને વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
દરિયાકિનારે આવેલા જામનગર શહેર અને જિલ્લામાં અનેક વખત નશીલા પદાર્થની હેરાફેરી તેમજ બેરોકટોક વેંચાણ કરાતા સ્થળે પોલીસ દ્વારા રેડ કરી ગુનેગારોને ઝડપી તેના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે જામનગરના એરફોર્સમાં એરમેન તરીકે ફરજ બજાવતા રાજસ્થાનના કર્મચારીએ અફિણનો જથ્થો મંગાવ્યો હોવાનું બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ એ.આર. ચૌધરી તથા પીએસઆઈ વી.બી.બરસબીયા, હેકો ફૈઝલભાઇ ચાવડા, જાવેદભાઈ વજગોળ, યશપાલસિંહ જાડેજા, એન.બી. સદાદીયા, પો.કો. હર્ષદભાઈ પરમાર, ખીમશીભાઈ ડાંગર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી મંગળવારે સાંજના સમયે એરફોર્સ 1 માં સિકયોરિટીની ઓફિસમાંથી એરમેન તરીકે ફરજ બજાવતા રાજસ્થાનના ખુડાલા ગામનો વતની જગદીશ ઠાકરારામ જીયારામ ચૌધરી ઉ.30 નામના શખ્સને રૂા.5700 ની કિંમતના 192 ગ્રામ નશાકારક માદક પદાર્થ અફિણના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
તેમજ આ જથ્થો પુનામાં ગુરૂદ્વારા કોલોની લોહેગામમાં રહેતો અને એરફોર્સમાં સિવિલિયન ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો પુનરારામ ભીલ નામના શખ્સ પાસેથી વેંચાણ અર્થે મંગાવ્યો હતો. જેના આધારે પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી હતી. સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે બંને શખ્સો વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.